આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખજૂરાહો

January, 2002

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખજૂરાહો (મધ્યપ્રદેશ) : આઠમીથી બારમી સદી દરમિયાનનાં પાષાણ-શિલ્પોનો વિપુલ સંગ્રહ. ચંદ્રેલા વંશના રાજાઓના શાસન દરમિયાન બંધાયેલાં જૈન તથા હિંદુ મંદિરોમાંની શિલ્પકૃતિઓ અહીં પ્રદર્શિત કરાઈ છે. તે કૃતિઓ મંદિર-સ્થાપત્ય-શિલ્પના ઉત્તમ નમૂનારૂપ છે.

‘પશ્ચિમ જૂથ’ તરીકે ઓળખાતાં હિંદુ મંદિરો તરીકે લક્ષ્મણ મંદિર (954), વિશ્વનાથ મંદિર (999), ચિત્રગુપ્ત મંદિર અને સૌથી ભવ્ય કંડારિયા મહાદેવ મંદિર તથા પાર્શ્વનાથ અને આદિનાથનાં નષ્ટ થયેલાં જૈન મંદિરોનાં શિલ્પસ્થાપત્યના વેરવિખેર પડેલા કલાત્મક અવશેષોને સ્થાનિક બ્રિટિશ એજન્ટ ડબ્લ્યૂ. ઇ. જાર્ડિને એકત્રિત કરીને 1910 માં આ સંગ્રહસ્થાન ઊભું કર્યું છે.

દડા સાથે રમતી કન્યા

આ મ્યુઝિયમના પ્રવેશદ્વારે 2 બેઠેલા સિંહોની પ્રતિમાઓ છે. અંદરના ભાગે શિલ્પના પ્રકાર પ્રમાણે ગૅલરીઓનું વિભાજન કરવામાં આવ્યું છે. શિવ ગૅલરીમાં શિવ, તેમનો ગાયકવૃંદ સાથેનો પરિવાર; વૈષ્ણવ ગૅલરીમાં વિષ્ણુનાં શિલ્પો અને બીજી ગૅલરીમાં જૈન સ્થાપત્યની કલાકૃતિઓ પ્રદર્શિત કરાયેલ છે.

એમાંનું હરિહરનું શિલ્પ સુંદર છે. તેમાં પોતપોતાનાં આયુધો સાથે એક તરફ શિવ અને બીજી તરફ વિષ્ણુનું શિલ્પ એક જ પ્રતિમામાં સુંદર રીતે કંડારેલ છે. વિષ્ણુ તરફ વામન અને કલ્કિની નાની પ્રતિમાઓ પણ કંડારેલી છે.

ખજૂરાહોમાં જોવા મળતી આસનસ્થ બુદ્ધની પ્રતિમા આ મ્યુઝિયમની અજાયબી છે. આ પ્રતિમા ભૂમિસ્પર્શ મુદ્રામાં છે. બુદ્ધને કમળની અસંખ્ય પાંખડીઓ પર પદ્માસન વાળીને ધ્યાનની યૌગિક મુદ્રામાં બેઠેલા કંડારેલ છે.

વિષ્ણુ ગૅલરીમાં વિષ્ણુના જુદા જુદા અવતારોની શિલ્પકૃતિઓ છે. તેમાં પૃથ્વીમાતાને પૂરના પાણીમાંથી ઉગારતા ભૂ-વરાહ-વિષ્ણુનું શિલ્પ અત્યંત મનોહર છે. મ્યુઝિયમમાંની લક્ષ્મીનારાયણની સુંદર પ્રતિમાને ખંડિત કરાઈ છે. છતાં એ પ્રતિમામાં પુરુષપણાની અને સ્ત્રીપણાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવવામાં કલાકારની ઉત્તમ કોટિની સૂઝ પ્રતીત થાય છે.

અહીં સૂર્યનાં કેટલાંક મોહક શિલ્પો છે. તેમાંના એકમાં મેઘધનુષના રંગોમાં અશ્વો દ્વારા ખેંચાતો રથ હંકારતા ટટ્ટાર ઊભેલા સૂર્યની પ્રતિમા ધ્યાન ખેંચે છે.

મુખ્ય પ્રવેશની જમણી તરફની ગૅલરીમાં શિલ્પકૃતિઓ, પૅનલો અને પરચૂરણ વસ્તુઓ પ્રદર્શિત કરાઈ છે. તેમાં સુરસુંદરીઓની બે સુંદર પ્રતિમાઓ છે. જૈન ગૅલરીમાં જુદી જુદી મુદ્રાઓમાં જૈન તીર્થંકરોની કેટલીક શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે.

બળદેવભાઈ કનીજિયા