આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર

January, 2002

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર (જ. 8 ફેબ્રુઆરી 1796, પૅરિસ; અ. 1 સપ્ટેમ્બર 1864, પૅરિસ) : માર્કસ પૂર્વેના ‘યુરોપિયન’ ગણાતા સમાજવાદી ચિંતકોની પ્રણાલીનો તથા સમાજ, રાજકારણ અને અર્થકારણ વિશે વિચારનાર ફ્રેંચ તરંગી ચિંતક. તેમણે ઇકોલ પૉલિટૅકનિકમાં અભ્યાસ કર્યા બાદ વ્યાપક પ્રવાસો ખેડ્યા. મૂળે ઇજનેર એવા આ ચિંતકે સુએઝ તથા પનામા નહેરની યોજનાઓની કલ્પના કરી હતી. ભૂમધ્ય રેલવે યોજનામાંની પોતાની નિષ્ફળ કામગીરી પછી તેઓ પૅરિસ પાછા ફર્યા હતા. ઓગણીસમી સદીના ફ્રાંસની આર્થિક અને તકનીકી શોધોમાં તેમની નોંધપાત્ર અને પ્રભાવક અસર રહી.

1825માં તેમનો સમાજવાદી સંત સિમોન સાથે પરિચય થયો અને તેઓ તેમના અનુયાયી બન્યા. સિમોને શરૂ કરેલી ચળવળના તેઓ અગ્રણી સભ્ય હતા. સિમોનના વિચારોના ફેલાવા માટેની સંસ્થા ‘લા ગ્લોબ’ની શાખાઓ સ્થાપવામાં તેમણે મદદ કરી હતી. સિમોનના નિધન બાદ ધાર્મિક ચળવળનું સ્વરૂપ ધરાવતી લડતના ‘સર્વોચ્ચ વાલીઓ’ તરીકે આનફાનર્તાં અને સંત અમાન્ડ બઝાર્દે અગ્રણી રહ્યા. આનફાનર્તાં અને બઝાર્દે સિમોનના વિચારોને વ્યવસ્થિત કરીને રાજ્ય સમાજવાદની તરફેણ કરવા ઉપરાંત ઉદ્યોગ શરૂ કરનારાઓને યંત્રવિદો દ્વારા સંચાલિત બૅંક દ્વારા સહાય કરવાની હિમાયત કરી હતી. તે માનતા કે સૌને રોજી મળવી જોઈએ અને ઉદ્યોગો કામદારોના હિતમાં ચલાવવા જોઈએ. મૂળે તે ઇજનેર હતા અને સુએઝ તથા પનામા નહેરની યોજનાઓ તેમણે કલ્પી હતી. ભૂમધ્ય રેલવેની યોજના તેમણે સફળતાપૂર્વક પાર પાડી હતી. ત્યારબાદ તેમણે અલ્જીરિયાના કમિશનર તરીકે કામગીરી બજાવી. તેમને રાજકારણથી તટસ્થ એવી નૈતિક અને સામાજિક લડત અપેક્ષિત હતી, જે શક્ય ન બનતાં તેઓ 1831માં બઝાર્દથી અલગ થયા અને ફાધર (પીટર) આનફાનર્તાં તરીકે જાણીતા બન્યા. તેમના અનુયાયીઓએ આદર્શ સમાજ રચવા પ્રયાસ પણ કર્યા.

નિષિદ્ધ ગુપ્ત સંસ્થાઓની રચનાને તથા જાહેર નીતિમત્તા વિરુદ્ધના વ્યવહારને તેમણે સમર્થન પૂરું પાડ્યું હોવાથી તેમને થોડો સમય જેલવાસ વેઠવાનો વારો આવ્યો હતો.

જેલમાંથી મુક્તિ બાદ તેમણે ઇજિપ્તનો પ્રવાસ ખેડ્યો હતો. ઉચ્ચસ્થાન અને હોદ્દા ધરાવતા તેમના પૂર્વ વિદ્યાર્થીઓએ તેમને 1845માં લ્યોન રેલરોડ કંપનીમાં જોડાવા આમંત્રિત કર્યા અને તેઓ તે કંપનીના પ્રથમ ડિરેક્ટર બન્યા. તકનીકી અને નાણાકીય આયોજનના તેઓ નોંધપાત્ર સલાહકાર બન્યા. સરકારના સમર્થનથી સંચાલિત થનાર બૅંકના આયોજનને તેમણે ટેકો આપ્યો.

નિવૃત્તિ લઈને એક આશ્રમની સ્થાપના તેમણે કરી હતી. દેવળને દોરનાર ‘બૌદ્ધિક પિતા’ને પૂરક બને તેવી ઊર્મિશીલ ‘માતા’ પૂર્વમાંથી આવશે અને તેમના અવતરણ સાથે નૂતન યુગનો આરંભ થશે એવી તેમની આગાહી હતી. વિદ્વત્તાપૂર્ણ લખાણો માટે તેઓ ખ્યાતિ પામેલા. ‘ડૉક્ટ્રીન દ સેંટ સિમોન’ (1829), ‘સેંટ સિમોનિયન રિલિજિયન-પોલિટિકલ ઇકૉનૉમી ઍન્ડ પૉલિટિક્સ’ (1831) – આ બે સિમોન અંગેના તેમના જાણીતા ગ્રંથો છે. અવસાનના થોડા સમય પૂર્વે (1861માં) તેમનો આધ્યાત્મિક કરાર (spiritual testament) અંગેનો ગ્રંથ પ્રકાશિત થયો હતો. વિશેષે, સંત સિમોન અને આનફાનર્તાંનાં પ્રકાશનોને સંયુક્ત ગ્રંથ-શ્રેણી સ્વરૂપે 47 ગ્રંથોમાં પ્રકાશિત (1865-78) કરવામાં આવ્યાં હતાં.

જયંતી પટેલ
રક્ષા મ. વ્યાસ