આચ્છાદન-સીમા (ecotone) : એકમેકમાં ભળતા બે જુદા જુદા વનસ્પતિ-સમાજોની સીમારેખા.

દરેક વનસ્પતિ-સમાજમાં કેટલીક જાતિઓ પાણી, પ્રકાશ અને પોષક પદાર્થો જેવા પર્યાવરણના ઘટકો પર નિયંત્રણ ધરાવે છે. આવી જાતિઓ તેના સમાજના બંધારણમાં અસરકારક ભાગ ભજવે છે. ઉપરાંત વનસ્પતિ-સમાજ પોતાના વસવાટને અનુકૂળ થઈને વિકસતો હોય છે. આમ, ભૌગોલિક રીતે પર્યાવરણ પર આધારિત નિશ્ચિત વનસ્પતિ-સમાજો વિકસતા હોય છે. રણપ્રદેશ, વનપ્રદેશ કે તૃણપ્રદેશ આવા નિશ્ચિત સમાજોનાં ઉદાહરણો છે. પર્યાવરણ સતત બદલાતું રહે છે તેથી એક પ્રકારનો સમાજ બીજા પ્રકારમાં ક્રમશ: ફેરવાતો જાય છે. જ્યાં બંને પ્રકારના વનસ્પતિ-સમાજો એકમેકમાં ભળતા હોય ત્યાંનું પર્યાવરણ પણ વિશિષ્ટ ગુણો ધરાવતું હોય છે. આ આચ્છાદન-સીમાના વિસ્તારમાં બંને સમાજનાં અમુક લક્ષણો જોવા મળે છે. આ વિસ્તારની પોતાની વિશિષ્ટ વનસ્પતિ પણ હોય છે, એટલે અમુક સજીવો એવાં હોય છે, જે બેમાંથી એક પણ સમાજમાં વિસ્તરેલ ન પણ હોય. આચ્છાદન-સીમાના વિસ્તારનું પર્યાવરણ બે અંતિમો છોડીને મધ્યમ પ્રકારનું હોય છે. આવી આચ્છાદન-સીમા નાના કે મોટા પટ્ટારૂપે પથરાયેલી હોય છે. બે સમાજો વચ્ચે સંક્રમણ-ક્ષેત્ર તરીકે તે વર્તે છે. આવા આચ્છાદન-સીમાનો વિસ્તાર વનપ્રદેશ અને તૃણપ્રદેશ વચ્ચે, જલજ અને ભૂમીય વનસ્પતિસમાજ વચ્ચે તથા કોઈ પણ બે ભિન્ન વનસ્પતિસમાજ વચ્ચે સર્જાઈ શકે છે.

નરેન્દ્ર ઈ. દાણી