આઇક્માન ખટલો

February, 2001

આઇક્માન ખટલો : જર્મન સરમુખત્યાર હિટલરના એક અમલદાર સામે ચાલેલો ખટલો. આઇક્માને હિટલરના આદેશથી સેંકડો યહૂદીઓને મારી નાખ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી વિજેતા સાથી રાજ્યોએ ન્યૂરેમ્બર્ગ અને ટોકિયોમાં માનવજાત વિરુદ્ધના આવા ગુનાઓ માટે યુદ્ધખોરો પર ખટલા ચલાવ્યા હતા, પરંતુ આઇક્માન આર્જેન્ટીનામાં સંતાઈ ગયો હતો, તેથી તે વખતે તે બચી ગયો હતો. આવા ખટલાઓમાં કુદરતના કાયદાના સિદ્ધાંતો મુજબ જે કૃત્ય નૈતિકતા અને માનવતાની દૃષ્ટિએ ગેરકાયદેસર ગણાય તેને માટે ઉપરીના હુકમના પાલનનો બચાવ સ્વીકારાયો નહોતો; તેમજ આવા ગુનાઓને ચાંચિયાગીરી જેવા ગણીને વૈશ્વિક હકૂમતને પાત્ર ગણ્યા હતા, જેથી કોઈ પણ દેશ ગુનેગારોને સજા કરી શકે. ઇઝરાયલની છૂપી પોલીસે આઇક્માનને આર્જેન્ટીનાના સાર્વભૌમત્વનો ભંગ કરીને આર્જેન્ટીનામાંથી શોધી કાઢ્યો અને તેને બળજબરીથી ઇઝરાયલમાં લાવીને તેના પર યહૂદીઓની સામૂહિક કતલ માટે ખટલો ચલાવી 1962માં દેહાંતદંડની સજા કરી હતી. ઇઝરાયલનું આર્જેન્ટીનાના સાર્વભૌમત્વના ભંગનું આ કૃત્ય ગેરકાયદેસર હતું, પરંતુ આઇક્માન પર માનવજાત વિરુદ્ધના ગુના માટે ખટલો ચલાવવાનું કૃત્ય ચાંચિયાગીરી બાબતના આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતને અનુરૂપ હતું. તેથી ઇઝરાયલ વિરુદ્ધ થોડોક રાજકીય વિરોધ બાદ કરતાં વિશ્વમતે તે સ્વીકાર્ય ગણાયું હતું. કેટલાક ન્યાયવિદોના મત મુજબ ઇઝરાયલને આ મુકદ્દમો ચલાવવાનો હક નહોતો; કેમ કે જ્યારે ગુનો આચરાયો ત્યારે ઇઝરાયલનું અસ્તિત્વ નહોતું અને મરનાર યહૂદીઓ ઇઝરાયલના નાગરિકો નહોતા. પરંતુ એમ કહી શકાય કે ઇઝરાયલે વાપરેલી હકૂમત આંતરિક કાયદા હેઠળની નહોતી, પણ આંતરરાષ્ટ્રીય કાયદાએ સ્વીકારેલા કુદરતી કાયદાના સિદ્ધાંતો મુજબની હતી.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી