અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ

January, 2001

અસ્ત્રોવ્સ્કી, અલેક્ઝાન્દ્ર નિકોલાયેવિચ (જ. 12 એપ્રિલ 1823, મોસ્કો, રશિયા; અ. 14 જૂન 1886, રશિયા) : રૂસી નાટ્યકાર. સફળ વકીલનો આ બેફિકરો પુત્ર તત્કાલીન રશિયન થિયેટરનો ખૂબ લોકપ્રિય નાટ્યકાર નીવડ્યો. મૉસ્કો યુનિવર્સિટીમાં વકીલાતની તાલીમ લઈ ત્યાંની વ્યાપારી કૉર્ટમાં એણે નોકરી લીધી. સાહિત્ય અને નાટ્યક્ષેત્રે એના સમકાલીનો – તુર્ગનેવ અને લ્યેફ તોલ્સ્તોય – કરતાં જુદા પડીને, ‘માલી’ (નાના) થિયેટર અને એના નટો સાથે ઘરોબો બાંધી, એના નટોને નજર સમક્ષ રાખી એ રશિયાનો ખૂબ અગત્યનો વ્યવસાયી નાટ્યકાર બન્યો. તુર્ગનેવનું ઊંડાણ કે તોલ્સ્તોયની ક્રાંતદૃષ્ટિ એનાં નાટકોમાં નહોતાં, પરંતુ એ વખતના રશિયાના મધ્યમવર્ગીય જીવનનો પ્રત્યક્ષ અનુભવ, ધારદાર કટાક્ષો વાસ્તવદર્શી નાટ્યકલામાં રજૂ કરવાની તરકીબ એને હાથ લાગી ગઈ હતી. જોકે તત્કાલીન રાજપરિવાર અને અધિકારી વર્ગને કોઠે ન પડે એવાં પાત્રચિત્રણોને કારણે 1849માં પ્રસિદ્ધ થયેલ એનું નાટક ‘દેવાળિયો’ સેન્સરની લાલ આંખે ચડી ગયું હતું. મધ્યમવર્ગીય વ્યાપારી લોકોના જીવનનાં દંભ, સ્વાર્થ અને મિથ્યાભિમાનનાં મહોરાં ઉતારતા એના નાટક ‘ગરીબ કન્યા’એ એને ભારે સફળતા અને કીર્તિ અપાવ્યાં હતાં. એનો કટાક્ષ ધારદાર, પણ દંશ નહિ. પ્રેક્ષકો હસીને હળવાંફૂલ થાય, પણ સમાજ-પરિવર્તનનો સંદેશો લઈને જ થિયેટરની બહાર જાય. ગોગોલ, ગ્રીબોયેદેફ અને પુશ્કિન જેવા પ્રશિષ્ટ પ્રગતિશીલ નાટ્યકારોને બદલે સસ્તા લોકરંજની નાટ્યકારોની વિપુલ રજૂઆતો સામે અસ્ત્રોવ્સ્કીએ પ્રશિષ્ટ નાટ્યકારોના પ્રત્યાયનને પોતાનાં નાટકોમાં લોકભોગ્ય બનાવ્યું, અને વિશિષ્ટ વાસ્તવદર્શી નાટ્યપ્રણાલી સર્જી આપી. રૂસી વિવેચક ગેરત્સેને ગોગોલના ‘ઇન્સ્પેક્ટર જનરલ’ નાટકની સાથે અસ્ત્રોવ્સ્કીના ‘દેવાળિયા’ નાટકને મૂકીને એ બંનેને ફારસ કહેવાને બદલે ‘રૂસી જીવનનાં મહાન કરુણરસપ્રધાન નાટક’ તરીકે ગણાવ્યાં છે. અસ્ત્રોવ્સ્કીના કવનની જેમ એના જીવનમાં પણ અનેક તડકીછાંયડીઓ આવી હતી. એ બધાંની સામે ટકી રહીને એણે રૂસી થિયેટરને અનેક નાટકો આપ્યાં  ‘વાવાઝોડું’ (186૦), ‘કપરાં જીવન’ (1863), ‘વસીલીસા વેલેન્ત્યેવા’ (1868), ‘જંગલ’ (187૦), ‘જીવનસંધ્યાએ પ્રેમ’ (1873). એનું નાટ્યલેખન, અલબત્ત વિશિષ્ટ રીતે ‘રૂસી’ હતું; પણ ચેહફ અને ગૉર્કી જેવા નાટ્યકારો તથા સ્તાનિસ્લાવ્સ્કીની અભિનયશૈલી માટે વાતાવરણ અને પાત્રો સર્જવામાં અસ્ત્રોવ્સ્કીનો ફાળો મહત્વનો ગણી શકાય.

હસમુખ બારાડી