અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય)

January, 2001

અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય) : બૃહસ્પતિરચિત અર્થશાસ્ત્ર. જેમ મનુ ધર્મશાસ્ત્રના તેમ બૃહસ્પતિ અર્થશાસ્ત્રના આદ્ય પ્રણેતા મનાય છે. ભાસ ‘પ્રતિમા’માં ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’નો નિર્દેશ કરે છે. કૌટિલ્ય પોતાના ‘અર્થશાસ્ત્ર’માં છ જગ્યાએ બાર્હસ્પત્યોના મત જણાવે છે. એ અનુસાર તેઓ દંડનીતિ અને વાર્તા એ બે જ વિદ્યા હોવાનું, મંત્રી-પરિષદ 16 સભ્યોની હોવાનું અને નીતિમાં અવિશ્ર્વાસનું પ્રાધાન્ય રાખવાનું માનતા. લોકાયત મતના પ્રવર્તક બૃહસ્પતિ અને અર્થશાસ્ત્રના પ્રવર્તક બૃહસ્પતિ ભિન્ન છે. ‘બૃહસ્પતિસ્મૃતિ’ તથા ‘બાર્હસ્પત્ય સંહિતા’થી આ ગ્રંથ ભિન્ન છે. મૂળ બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર લુપ્ત થયું લાગે છે, હાલ એ નામનું એક નાનું પુસ્તક ઉપલબ્ધ છે, તે છઠ્ઠી-સાતમી સદી કરતાં પ્રાચીન નથી. એ છ અધ્યાયોમાં 430 સૂત્રોમાં લખાયું છે. એમાં રાજધર્મ તથા રાજનીતિ જેવા વિષય નિરૂપાયા છે. એમાં લૌકાયતિક, કાપાલિક અને આર્હત(બૌદ્ધ)નો મહિમા કહ્યો છે. એમાં લાટ તથા સુરાષ્ટ્રનો નિર્દેશ આવે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી