અય્યર પી. એસ. શિવસ્વામી

January, 2001

અય્યર, પી. એસ. શિવસ્વામી (જ. 7 ફેબ્રુઆરી 1864, તાજાવુર, ચેન્નઈ; અ. 5 નવેમ્બર 1946, માઈલાપોર, ચેન્નઈ) : ઉદારમતવાદી વિચારક અને ભારતીય વિદ્યાઓના વિદ્વાન પુરસ્કર્તા. શાળાકીય શિક્ષણ તંજાવુર ખાતે લીધા પછી સંસ્કૃત અને ઇતિહાસના વિષય સાથે શિવસ્વામીએ મદ્રાસ પ્રૅસિડેન્સી કૉલેજમાં સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. તેઓ શ્રીમદભગવદગીતાના નિષ્ઠાવાન અભ્યાસી તથા સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિદ્વાન હતા.

p-s-sivaswami-ayyar

પી. એસ. શિવસ્વામી, અય્યર

સૌ. "Pss-p-s-sivaswami-ayyar" by Dr T. Hemalatha | CC BY-SA 4.0

1885માં તેમણે ચેન્નઈ ખાતે વકીલાત શરૂ કરી. 1907માં તેઓ ચેન્નઈ પ્રાંતના ઍડ્વોકેટ જનરલ નિમાયા હતા. આ પદ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા.

1912થી 1917 સુધી શિવસ્વામી ગવર્નરની કારોબારીના સભ્ય રહ્યા હતા. સ્થાનિક પ્રશાસનની સંસ્થાઓને લગતા કાયદામાં તેમની પહેલને કારણે દાખલ કરવામાં આવેલા સુધારા પ્રગતિશીલ ગણવામાં આવ્યા હતા. તેમાં ગ્રામપંચાયતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.

તેમના સક્રિય પ્રયાસને લીધે તિરૂવડી સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના થઈ તથા મદ્રાસ યુનિવર્સિટીમાં પૌરસ્ત્ય ભાષા, ઇતિહાસ વગેરેનો અભ્યાસક્રમ (Oriental Degree Course) દાખલ થયો. મદ્રાસ અને બનારસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમની વરણી થઈ હતી. આ બંને યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી. કેળવણીના પ્રચાર માટે તેમણે લાખો રૂપિયાની સખાવત કરી હતી.

રાજકારણમાં તેઓ ઉદારમતવાદી હતા. ભારતમાં ઉદ્યોગીકરણ તથા ભારતીય શાસકીય સેવાઓનાં ઉચ્ચ પદોના ભારતીકરણના તેઓ હિમાયતી હતા. એશર કમિટી, ઇન્ડિયન મિલિટરી કૉલેજ કમિટી, મુડીમન કમિટી, હન્ટર કમિશન વગેરેના અહેવાલો પર તેમણે પ્રગટ કરેલા જાહેર વિચારો તેમની નીડરતા અને બુદ્ધિચાતુર્યના પુરાવારૂપ છે. સંસદીય લોકશાહીમાં તેમને અતૂટ શ્રદ્ધા હતી. સ્ત્રીઓના અધિકારો, કુટુંબનિયોજન તથા સલામતીપૂર્વક(safe-guarded)ના છૂટાછેડા જેવી સામાજિક સમસ્યાઓ પરત્વે તેઓ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે