અબ્રહામ, જ્હૉન (જ. 1904, ન્યૂપૉર્ટ, આઇલ ઑવ્ વેઇટ ઇંગ્લૅન્ડ) : રશિયન સંગીત અને ફિલ્મોના નિષ્ણાત. 1935થી 1947 સુધી ઇંગ્લૅન્ડમાં બી. બી. સી.માં રશિયન સંગીત અને રશિયન ફિલ્મોના નિષ્ણાત તરીકે કામ કરીને અનેક કાર્યક્રમો આપ્યા. રશિયન વાર્તાઓ તથા નવલકથાઓ પરથી કેટલીક ફિલ્મો તૈયાર કરી અને રશિયન સંગીતનો, ખાસ કરીને લોકસંગીતનો પરિચય કરાવ્યો. 1947 પછી લિવરપૂલમાં સંગીતના અધ્યાપક તરીકે કામ કર્યું. 1962માં ફરીથી બી. બી. સી.માં જોડાયા અને રશિયન સંગીત પર ‘સ્ટડિઝ ઇન રશિયન મ્યુઝિક’ પુસ્તક પ્રકાશિત કર્યું તથા રશિયાના ફિલ્મ-સંગીત પર પણ એક પુસ્તક લખ્યું. રશિયન કલાના નિષ્ણાત તરીકે સમગ્ર વિશ્વમાં એમની કીર્તિ પ્રસરેલી છે.

ચન્દ્રકાન્ત મહેતા