અતિસાર (diarrhoea) : વારંવાર થતા પાતળા ઝાડા. દિવસમાં ત્રણથી વધુ, અથવા સામાન્ય ટેવથી વધુ થતા પાતળા ઝાડાને અતિસાર કહે છે. તે રોગ નથી, પણ ઘણા રોગોનું એક લક્ષણ છે. અચાનક શરૂ થઈ, થોડા કલાકો કે દિવસો ચાલતા ઝાડાને ઉગ્ર (acute) અતિસાર કહે છે. સતત કે ફરીફરીને થતા, અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલતા ઝાડાને દીર્ઘકાલી (chronic) અતિસાર કહે છે. ભારતમાં પાંચ વર્ષથી નાનાં 14 લાખ બાળકો ઉગ્ર અતિસારથી દર વર્ષે મૃત્યુ પામે છે. ઉગ્ર અતિસારનું મુખ્ય કારણ ચેપ હોય છે (આકૃતિ 1). મૃત્યુનાં કારણોમાં આ રોગને લીધે થતું નિર્જલન (dehydration) પણ કારણરૂપ હોય છે. ચેપ, અપશોષણ (malabsorption), ગાંઠ, અંત:સ્રાવી (hormonal) વિકારો અને ચેપરહિત આંત્રશોથ(non-infective enteritis)ને કારણે પાતળા ઝાડા થાય છે.

આકૃતિ 1 : ચેપી ઝાડા-ઊલટી થવાનાં મુખ્ય કારણો : 1. દૂધ પિવડાવવામાં ઉકાળ્યા વગરની ટોટી તથા બાટલીનો ઉપયોગ; 2. ખુલ્લો ખોરાક, અસ્વચ્છ જગ્યાએ આહાર, માખી, વંદા, કંસારી વગેરેથી પ્રદૂષિત ખોરાક; 3. રહેઠાણની આસપાસ અસ્વચ્છતા.

અતિસારનાં કારણો

1.      ઉગ્ર અતિસાર

ક.      ચેપ : (અ. 1) જીવાણુ : ઇશ્ચેરિશા કોલી, કૉલેરા, શિગેલાજન્ય મરડો, સ્ટૅફિલોકૉકસ ઓરિયસ, ક્લૉસ્ટ્રિડિયા; (અ. 2) વિષાણુ : રોટાવાયરસ અને અન્ય વિષાણુઓ; (અ. 3) પ્રોટોઝોઆ : અમીબાજન્ય રોગ, જિયાર્ડિયા લૅમ્બિયા ચેપ; (અ. 4) કૃમિરોગ.

ખ.     ચેપરહિત : છદ્મ (spurious) અતિસાર, ઉદ્વેગાંત્ર સંલક્ષણ (irritable bowel syndrome)

2.      દીર્ઘકાલી અતિસાર

ક.      ચેપ : (અ. 1) જીવાણુ : ક્ષય, ક્લૉસ્ટ્રિડિયા; (અ. 2) પ્રોટોઝોઆ : અમીબાજન્ય રોગ, જિયાર્ડિયા લૅમ્બિયા ચેપ; (અ. 3) કૃમિરોગ

ખ.     અંત:સ્રાવી વિકાર : મધુપ્રમેહ, અતિગલગંડિતા (hyperthyroidism), ઍડ્રિનલ અલ્પતા (hypoadrenalism), અલ્પપરાગલગંડિતા (hypoparathyroidism)

ગ.     અર્બુદજન્ય (ગાંઠથી થતો અતિસાર)

ઘ.     ચેપરહિત આંત્રશોથ : વર્ણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis),

ક્રોહ્નનો રોગ

ઙ.      અપશોષણ સંલક્ષણ (malabsorption syndrome)

ચ.     ઔષધજન્ય : પ્રત્યામ્લો, મુખમાર્ગી ઍન્ટિબાયૉટિક, રેચકો, બાયગ્વાનાઇડ્ઝ

છ.     શસ્ત્રક્રિયા દ્વારા આંતરડાનો ભાગ કાઢી નાખ્યો હોય ત્યારે

જ.     ઉદ્વેગાંત્ર સંલક્ષણ

ઝ.     પ્રકીર્ણ : છદ્મ અતિસાર

આ રોગોને કારણે આંતરડાનું ચલન (motility) તેમજ ક્ષાર અને પાણીનું પ્રમાણ વધે છે. આ બંને ક્રિયાઓ પાતળા ઝાડા કરે છે.

ઉગ્ર અતિસારના દર્દીને પાતળા, ક્યારેક ગંધ મારતા, ક્યારેક લોહી અને શ્લેષ્મ(સફેદી, mucus)વાળા ઝાડા થાય છે, તેને મરડો કહે છે. ચૂંક, તાવ અને ઊલટી પણ સાથે હોય છે. વિષાણુજ અતિસારમાં ક્યારેક ફક્ત પાતળા ઝાડા જોવા મળે છે. શરીરમાંથી પાણી ઓછું થતાં નિર્જલન (deyhydration) થાય છે. જીભ સુકાય છે, ચામડી સુક્કી, ઠંડી અને સ્થિતિસ્થાપકતા વગરની (nonelastic) થઈ જાય છે. તેમાં કરચલીઓ પડી જાય છે. આંખો ઊંડી ઊતરે છે અને નાડી તથા શ્વાસ ઝડપી બને છે. સમયસર ઉપચાર ન કરાય તો નાડી, શ્વાસ, પેશાબનું પ્રમાણ તથા લોહીનું દબાણ ઘટે છે. વારંવાર ઝાડાની હાજત (tenesmus) થાય છે.

દીર્ઘકાલી અતિસારમાં ખૂબ અથવા થોડા મળવાળા, પ્રવાહી કે ઢીલા, ફીણવાળા, ક્યારેક ગંધ મારતા, ક્યારેક લોહી અને સફેદીવાળા ઝાડા (મરડો) થાય છે. ડૂંટી ફરતો દુખાવો અને ગુડગુડાટ (borborygmi) થાય છે. પેટમાં ભાર લાગે છે, પેટ ફૂલે છે, ક્યારેક તાવ, અરુચિ અને અશક્તિ જણાય છે. અપપોષણ તેમજ દીર્ઘકાલી-કારક મૂળ રોગનાં લક્ષણો પણ જોવા મળે છે.

મળતપાસમાં અમીબા, જીવાણુ, કૃમિ તેમજ રક્તકોષો અને શ્વેતકોષો જણાય છે. ગુદા, મળાશય (rectum) અને મોટા આંતરડાની અંત:નિરીક્ષા (endoscopy) તથા અપશોષણ માટેની કે અંત:સ્રાવી ગ્રંથિતંત્રને લગતી વિવિધ નિદાન-તપાસોની જરૂર પડે છે

આકૃતિ 2 : ક્ષાર-જલપાન ચિકિત્સા (oral rehydration therapy) : 1. 500 મિલી. શુદ્ધ પાણી. 2. પાત્રમાં પાણી રેડો. 3. ત્રણ આંગળાંની ચપટીમાં સમાય એટલું મીઠું ઉમેરો. 4. મૂઠી ભરીને ખાંડ ઉમેરો. 5. મીઠા-ખાંડનું દ્રાવણ બનાવો. 6. પાતળા ઝાડા થાય કે તરત દરેક વખતે એક પ્યાલો દ્રાવણ પિવડાવો.

પાણી અને ક્ષારની થોડી ઊણપ હોય ત્યારે મુખમાર્ગી ક્ષારપાણી(oral rehydration)ની સારવાર આપવામાં આવે છે (આકૃતિ 2). સરળ ઉપાય રૂપે ચપટી મીઠું, મૂઠી ખાંડ અને 1/2 લીટર શુદ્ધ પાણીનું શરબત જેવું દ્રાવણ પાતળા ઝાડા થતાં આપવામાં આવે છે. અર્ધા લીંબુનો રસ પણ ઉમેરવામાં આવે છે. દર્દીને છાશ, દહીં, ચોખાની કાંજી, ફળોનો રસ, શાકના સૂપ, પૂરતી ખાંડ વગેરે આપવાથી તેનું પોષણ જળવાઈ રહે છે. ઍન્ટિબાયૉટિક ઔષધોની જરૂર ક્યારેક જ પડે છે. કૉલેરામાં ટેટ્રાસાઇક્લીન અને શિગેલા જીવાણુના ચેપમાં ટેટ્રાસાઇક્લીન અને કોટ્રાઇમેક્ઝેઝોલ વપરાય છે. કેઓલિન અને પેક્ટિન જેવાં ઝાડો બંધાઈને આવે તેવાં ઔષધો અને ઓપિયેટ જૂથનાં ઔષધો(લોપેરેમાઇડ, લોમોટિલ, કોડિન)ની ઉપયોગિતા મર્યાદિત હોય છે. તે ચેપરહિત અતિસાર તથા વિષાણુજ અતિસારમાં પાણી અને ક્ષારનો ઘટાડો અટકાવે છે, પરંતુ ચેપી ઉગ્ર અતિસારમાં હાનિકારક પણ સાબિત થયેલ છે. (જુઓ : અમીબાજન્ય રોગ, આહારજન્ય વિષાક્તતા)

શ્રીપ્રકાશ ત્રિવેદી

શિલીન નં. શુક્લ