અંતાનુમાન (prognosis) : રોગના અંત કે વૃદ્ધિની આગાહી. તેને પૂર્વાનુમાન પણ કહે છે. દર્દી અને તેનાં કુટુંબીઓ રોગના નિદાન જેટલો જ, કે વધારે રસ સારવાર, રોગમુક્તિ અને અંતાનુમાનમાં ધરાવે છે. વળી તે જાણવાનો તેમનો અધિકાર પણ છે. અંતાનુમાન નિદાન અને સારવારની પ્રયુક્તિઓ અને પ્રવિધિઓનો અગ્રતાક્રમ (priority) નક્કી કરવામાં ઉપયોગી હોય છે.

હૃદ્ધમની (coronary artery) રોગ અથવા હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુના દર પર ધૂમ્રપાન, લોહીના ડાયેસ્ટૉલિક દબાણ તથા કોલેસ્ટેરૉલના પ્રમાણની અસર

તેને અંગે થનાર ખર્ચ અને તેમાંથી મળનાર લાભવિષયક માહિતી પૂર્વાનુમાનથી મેળવી શકાય છે. આ જ કારણે લોહીના વધુ દબાણવાળા દરેક દર્દીમાં તેનું કારણ શોધવા માટેની નિદાન–તપાસો કરવામાં આવતી નથી. આવી જ રીતે ખાસ લાભ ન થવાનો હોય અને જોખમ વધુ હોય એવી સારવાર કે નિદાન–તપાસ ન કરવાનો નિર્ણય કેટલીક વાર વ્યક્તિગત કિસ્સાઓમાં લેવાય છે. અંતાનુમાન જણાવવાથી દર્દી અને તેનાં કુટુંબીજનોને સાચી માહિતી મળી શકે છે; તેમની ખોટી ચિંતા દૂર કરી શકાય છે અથવા તેમની વધુ પડતી આશા-આકાંક્ષાઓને વાસ્તવિક કક્ષાએ લાવી શકાય છે. કેટલીક વખતે શ્રેષ્ઠતમ સારવાર છતાં રોગ વધતો રહે અથવા મૃત્યુ નીપજે તેવી પરિસ્થિતિમાં કાનૂની અને/અથવા વળતરના પ્રશ્નો ઊભા થાય છે. ક્યારેક આવું અણધાર્યું પરિણામ પૂર્વે કરેલા અંતાનુમાનથી વિપરીત પણ આવે; કેમ કે અંતાનુમાન જે તે રોગવિષયક સામૂહિક અનુભવનું માત્ર આંકડાશાસ્ત્રીય રૂપાંતર હોય છે. અંતાનુમાન દર્દીના બાકી રહેલા જીવનકાળ અને તેની ગુણવત્તાવિષયક ઉપયોગી માહિતી પણ આપે છે. સારવાર સાથે કે તેના વિના કોઈ એક ચોક્કસ રોગ મોટાભાગના દર્દીઓમાં કેવો વળાંક લેશે અથવા ક્યારે અને કેવી રીતે અંત પામશે તેનો સામૂહિક અનુભવ તે રોગના ઇતિહાસ(natural history)ના નામે ઓળખાય છે. રોગનું નિદાન, તેનો તબક્કો, તેની આનુષંગિક તકલીફો (complications), અન્ય રોગની હાજરી, દર્દીની ઉંમર, તેની આર્થિક-સામાજિક-શારીરિક-માનસિક સ્થિતિ, સારવારની ઉપલબ્ધિ અને અસર તેમજ વ્યક્તિગત વિશિષ્ટતા તેના અંતાનુમાનને અસર કરે છે. જેમ કે, લોહીના વધુ દબાણવાળા દર્દીમાં ધૂમ્રપાનની ટેવ, મધુપ્રમેહ, માનસિક તણાવની સ્થિતિ, વધુ પડતું વજન, કોલેસ્ટેરૉલનું વધુ પડતું દબાણ, લોહીના વધુ દબાણની માત્રા અને સમય તથા દવાઓની અસર તેનાં હૃદય, મૂત્રપિંડ કે મગજની નસો પર થનારી વિપરીત અસરને નિશ્ચિત કરે છે. તેવી જ રીતે હૃદધમની(coronary artery)ના રોગવાળા દર્દીમાં ઉપર જણાવેલ ઘટકો, હૃદયરોગનો હુમલો (myocardial infarction) થવાની શક્યતા વધારે છે. મધુપ્રમેહના દર્દીમાં કોઈ પણ ચેપની સારવાર મુશ્કેલ બની જાય છે. તમાકુના કોઈ પણ પ્રકારના સેવનથી કે સતત ઘસારાથી થતાં ચાંદાં કૅન્સરમાં પરિણમવાની વધુ શક્યતા ધરાવે છે. કૅન્સરનો રોગ મટશે કે તેમાં કેટલા સમય માટે રાહત થશે તે જાણવા તેનો પ્રકાર, સ્થાન, તબક્કો, સારવારની ઉપલબ્ધિ વગેરેની માહિતી ઉપયોગી હોય છે. પ્રાચીન સમયમાં હિપૉક્રેટીસ અને ભારતીય વૈદ્યોએ પણ પૂર્વાનુમાનનાં ચિહનો વર્ણવ્યાં હતાં.

શિલીન નં. શુક્લ